વિઝન

વાત્સલ્યધામનું દરેક બાળક સ્વનિર્ભર બને અને સામાજિક ઉત્થાનનો નાયક બને,
રાષ્ટ્રવિકાસમા સહયોગી બને અને ચોમેર આનંદલહેર પ્રસરાવે.

મિશન

જરૂરીયાતમંદ બાળકોને સર્વાંગી શિક્ષણ, કૌશલ્ય પારંગતના અને સંરક્ષણ આપવું.
તેમને એવું એક ઘર આપવું કે જ્યાં તેમના સ્વપ્નો સાકાર થાય અને તે આકાશને આંબી શકે.
એવા નાગરિક તૈયાર કરવા કે જે સમાજ માટે ઉદાહરણીય હોય અને સમાજ તેને અનુસરી શકે.

વાત્સલ્યધામ : એક સફર

શ્રી વસંતભાઈ ગજેરા અને શ્રીમતી ચંપાબેન ગજેરા વચ્ચેના એક કરુણાસભર વિચાર સંવાદ કે જીવનની અણધારી પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરતા દરેક નિરાધાર બાળકને ખીલવા માટે છત્રછાયા મળી રહે એ અંતરભાવ જ વાત્સલ્યધામના વિચાર ઉદ્દભવમાં પરિણમ્યો.

૨૫મે ૨૦૦૫ ના રોજ વસંતદાદાના જન્મવાસર પર સ્વામી શ્રી ધર્મબંધુજીના હસ્તે વાત્સલ્યધામના સ્વપ્નને મૂર્તિમંત કરવામાં આવતાની સાથે અનેક શક્યતાઓ વાળા પરંતુ દિશાવિહીન એવા ૫૬ જેટલા બાળકો સાથે વાત્સલ્યધામની શરૂઆત થઈ.

આજે વાત્સલ્યધામ ૮૫૦ થી વધુ બાળકો માટે પ્રેમ અને હુંફથી થનગનતું એક આશાઓનું ઘર છે. ઉત્સાહસભર ભૂલકાઓને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ બનાવી એક આદર્શ વ્યક્તિત્વનું ઘડતર કરવામાં આવે છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે બાળકની અંદર છુપાયેલા અનન્ય કૌશલ્યને સચોટ માર્ગદર્શનથી નિખારવામાં આવે છે.

આજે વાત્સલ્યધામમાં અભ્યાસ પૂર્ણ કરી, અનેક પ્રતિભાશાળી યુવાનો જુદા જુદા વ્યવસાયમાં પગભર થઇ ગર્વભેર પોતાનું જીવન જીવી રહ્યા છે.

આશય માત્ર એક જ, દરેક બાળકને ખીલવા માટેની તક મળે...

શા માટે વાત્સલ્યધામ?

આઝાદીના સાત દશકા પછી પણ, ગરીબી અને નિરક્ષરતાને લીધે દેશ હજુ કંગાળ છે. ભારતમાં આજે, ગરીબીને કારણે લાખો બાળકો ભૂખથી પીડાય છે, પરિણામે દેશને ભવિષ્યમાં અસામાજિક તત્વોનો સામનો કરવો પડશે.

વાત્સલ્યધામ જેવી સંસ્થાએ બાળકોના વિકાસમાં એક અનન્ય સેવા પ્રદાન કરવાનું કાર્ય શરૂ કર્યું છે. તેમણે નિરાધારિત બાળકોને રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો, રિમાન્ડ હોમ્સ અને આવા ઘણા સ્થળોએ થી વાત્સલ્યધામમાં સ્થાન આપીને તેમની કેળવણી શરૂ કરી છે. આ કાર્ય આજે એક દાયકાથી આગળ વધ્યું છે. દાયકાઓ પહેલાં, જેમ વાવેલા બીજ જે વૃક્ષ તરીકે કામ આવે છે તેમ આ બાળકો પણ ઘણા લોકોના જીવનમાં મદદ કરવા માટે સફળ થયા છે.

વાત્સલ્યધામ બાળકનો વિકાસ કરવામાં માને છે. બાળકોને માનવજીવનને બચાવવા માટે શીખવવામાં આવે છે તે સમાજને માટે અમૂલ્ય ભેટ છે. જો નિરાધાર અને બિનઅનુભવીને યોગ્ય માર્ગદર્શન ન આપવામાં આવે તો, તેઓ ગુન્હાના રસ્તા તરફ વળી જાય છે. નિરાધાર બાળકો અને શિક્ષણનો અભાવ એ નકસલવાદ અને આતંકવાદના સૌથી ભયાનક કારણો છે. આપણા દેશના આવા ૩૦ કરોડ બાળકોને મદદ કરવા આવા ઘણા વાત્સલ્યધામની જરૂર છે.

જો તમે વિચારો કે સમાજના સમૃધ્ધ વર્ગ દેશનાં વિકાસમાં ફાળો આપી શકે છે. દેશનાં વિકાસમાં ભાગ લેવો અને પૂરી જવાબદારી સાથે પોતાનો ફરજ પૂરી કરવી એ જ સાચો રાષ્ટ્રવાદ છે.દેશભક્તિ બતાવવા માટે બધાએ સરહદ પર લડવા જવાની જરૂર નથી. જો તમે દેશના મૂળભૂત પ્રશ્નનો ઉકેલ લાવવા માટે કોઈ પણ કાર્ય કરો છો, તો તે એક સાચી દેશભક્તિ છે. મને આશા છે કે સર્વ સમાજ એક થઈ નિરાધારોના જીવનઉત્થાન માટે કાર્ય કરશો.

તપોભૂમિમાં નિરાધારોને શિક્ષણ અને સંસ્કારથી સજ્જ કરવાનો ધ્યેય

નિરાધારોનું પાલન-પોષણ કરવાની ખરી ભૂમિકા શિક્ષકોએ બજાવવાની રહે છે. નિરાધારોની તપો ભૂમિ એવા વાત્સલ્યધામમાં બાળકોના હિતોનું રક્ષણ કરવામાં આવે છે. બાળકોને પ્રેમ,હુંફ અને લાગણીથી તેમનાં રહેલી સર્જનાત્મકતાને બહાર લાવવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવે છે. ગજેરા ટ્રસ્ટના પ્રમુખ અને વાત્સલ્યધામનાં સ્થાપક શ્રી વસંતભાઈ ગજેરા અમારા આદર્શ સમાન છે.નિરાધારોને કદી પણ પરિવારની ખોટ પડવી જોઈએ નહિ તેવા તેમના આગ્રહને અમે સાર્થક કરવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. તપોભૂમિમાં કોઈ બાળક નિરાશ ન થાય તેનાં પ્રયાસોમાં હું અને અમારો સમગ્ર સ્ટાફ સતત ધ્યાન રાખીએ છીએ. અથાગ પ્રયત્નોથી આજે વાત્સલ્યધામમાં તમામ સમાજના ૮૫૦ થી વધુ બાળકોને યોગ્ય ઘડતરનો આધાર મળ્યો છે જેમાં વાત્સલ્યધામનાં ટ્રસ્ટીઓનો સિંહફાળો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂરો સ્ટાફ ઉત્તરોતર સુધારા કરવાના હિતમાં છે.

બાળકોની શક્તિઓને બહાર લાવવા અને તેને સ્વાવલંબી સાથે સાહસિક બનાવવાનાં અમારા પ્રયત્નોમાં કોઈ કચાશ રાખીશું નહિ તેવું વચન અમે સમાજને આપીએ છીએ. બાળકમાં રાષ્ટ્રહિતની ભાવના જાગે છે અને એક આદર્શ નાગરિક બને તે માટે વાત્સલ્યધામની સંપૂર્ણ ટીમ પૂરી મહેનત કરે છે. બાળકો તેના જીવનમાં તેનાં નક્કી કરેલા લક્ષ્યાંકો હાંસલ કરે તેવી શુભેચ્છા.

શ્રી વસંતભાઈ ગજેરા.
પ્રમુખશ્રી,
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ.

નિજાનંદ

"કાર્ય કરવાથી તત્પરતા અને સમર્પણ તમને એ તમામ વસ્તુઓ અર્પે છે. જેની તમે ઈચ્છા કરી હોય."

એક એવો સમય હતો જયારે જીવનનું એકમાત્ર લક્ષ્ય સફળ બિઝનેશમેન બનવું. એક દિવસ એવો અહેસાસ થયો કે સમાજમાંથી ઘણું કમાયા, હવે આ જ કમાણી સમાજના ઉત્થાન માટે વાપરવી જોઈએ. આ વિચાર સાથે મેં સમાજની સદૃઢતા માટે કામ કરવાનું શરુ કર્યું. આ સમયમાં જ મારા જીવનસંગીની શ્રીમતી ચંપા ગજેરાએ સમાજમાં તરછોડાયેલા અને પ્રેમનાં હકદાર ભૂલકાઓ માટે કંઈક કરવાની મનોકામના મારા સમક્ષ રજુ કરી..

હું શોધતો હતો અને શ્રીમતી ચંપાએ મને દિશાસૂચક રસ્તો બતાવ્યો. તેના સથવારે મારા હૃદયમાં ‘’વાત્સલ્યધામ’’ ના સર્જનનું બીજ રોપાયું. મારા તમામ ભાઈઓનાં પીઠબળે તારીખ ૨૫મી મે ૨૦૦૫ ના રોજ મારા હ્રદયસ્થ વિચારને મૂર્ત સ્વરૂપ આપ્યું. મારા ધર્મપત્નીની મનોકામના સાકાર થઈ.

“વાત્સલ્યધામ‘’ એ કોઈ અનાથાશ્રમ નથી. એ તો મારા અને તમામ જેવા અનેક લોકોનાં હૃદયની ઊર્મિઓને સંતોષવાનું મંદિર છે. અહીં અમે બાળકોને નથી ઉછેરતા, અમે આવનારા કુશળ નાગરિકો તૈયાર કરીએ છીએ અને એના સથવારે અમારા એકધારા જીવનને આનંદિત કરીએ છીએ. આ ઉમદા કાર્ય મને અનેરો આત્મસંતોષ આપે છે.