બાળકો તો રોશનીના ફરિશ્તા જેવા છે. બાળકને પ્રેમ અને લાગણીની ભૂખ હોય છે. નિરાધારો તો વાત્સ્લ્યનો હાથ તેમના માથા પર ફેરવે તેવા લોકોની સતત તલાશ કરતા હોય છે. વાત્સલ્યધામમાં પ્રવેશ થતાં જ મારી આ ઈચ્છા પૂર્ણ થઇ છે. આદિવાસી વિસ્તારનાં બાળકોનાં સારા ઉછેર માટે માતા-પિતા બંને મજુરી કામ કરતાં હોય છે. મારા પિતા પણ મજુરી કામ કરી અમારા પરિવારનું પેટીયું રળતાં હતાં.

અચાનક જ એક કાલરાત્રીએ મારા પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું અને અમારો સમગ્ર પરિવાર જાણે નોધારો બની ગયો. માતાનાં ખભે મારી બહેન અને મારા ભરણપોષણની સમગ્ર જવાબદારી આવી ગઈ. સાત ધોરણ સુધીનો મારો અભ્યાસ બરાબર ચાલ્યો હતો. પિતાના અવસાન બાદ મારે અભ્યાસ પડતો મુકીને માતા સાથે મજુરી કામ કરવું પડે તેમ હતું.

પરંતુ, અચાનક જ મારા જીવનમાં વાત્સલ્યધામ એક ફરિશ્તાની માફક આવ્યું. અમારા સમગ્ર દુઃખ એક જાટકે લઇ લીધા અને અમારી આંખોમાં એક નવા સુર્યોદયનાં સપનાં વાવ્યા હતાં. વર્ષ ૨૦૧૧માં આઠમાં ધોરણથી વાત્સલ્યધામમાં પ્રવેશ મેળવ્યો અને આજે મારો આઈટીઆઈનો અભ્યાસ ચાલુ છે. ઇલેક્ટ્રિક ક્ષેત્રે કંઇક નવું કરવાની ઈચ્છા છે. વાયરીંગ અને ફીટીંગનાં કામની તાલીમ આઈટીઆઈમાંથી મળી રહી છે. આ સાથે જીવનમાં કંઇક અલગ કરવાનો સંકલ્પ છે જેમાં મારા જેવા નિરાધારોને વાત્સલ્યધામ જેવા સંકુલ સુધી લાવવા અને તેમનાં જીવનમાં પણ નવી રોશની લાવવાનું કાર્ય કરવું છે. નિરાધારોના જીવનમાં ફરિશ્તા સમા વાત્સલ્યધામે અમારી પ્રગતિમાં કદી પાછું વળીને જોયું નથી. અહીં અમને સર્વાંગી વિકાસ સાથે માનવતાવાદ શીખવવામાં આવે છે.

 
મહેન્દ્ર ગાવિત

વિદ્યાર્થી
વાત્સલ્યધામ