પ્રગતિશીલ ઇન્ડીયામાં એક ભારત વસે છે. આદિવાસીઓ આ ભારતની ઓળખ છે. ભારત પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છે. પરંતુ, આદિવાસીઓનો સર્વાંગી વિકાસ જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી સઘળું નકામું છે. આજથી સાત વર્ષ પૂર્વે દક્ષિણ ગુજરાતનાં ધરમપુર તાલુકાના મુલદાર ગામની દીકરી હું ઉર્વશી ગાવિત પિતાના અકાળે અવસાને અનાથ જેવું જીવન જીવવા મજબૂર બની હતી. ના છુટકે મારે અને મારી માતાએ મામાનાં ઘરે રહેવાની ફરજ પડી. મને ભણવાનો એટલો ઉત્સાહ છતાં ઘરકામ કરવાની નોબત આવી. એની સાથે નાની ઉંમરે પરણાવી દેવાનો ડર મારા મનમાં સતત વધતો જતો હતો. સદનસીબે તરુણવયે અમારાં નજીકનાં પરિવારનાં લોકોનો સંપર્ક વાત્સલ્યધામ સાથે થયો. જેનાં કારણે આજે મારો અદ્રિતીય કહી શકાય તેવો વિકાસ થયો છે. ગુમનામીના અંધકારમાં ખોવાય જવાનાં ભયનાં ઓથા હેઠળ જીવનાર મારા જેવા અનેક લોકો માટે વાત્સલ્યધામ સંજીવની બન્યું છે.

વર્ષ ૨૦૧૧ માં નવમાં ધોરણમાં વાત્સલ્યધામમાં ભણવાનું શરુ કર્યું અને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કરીને મેં નર્સીંગની તાલીમ લીધી. આજે મને સમાજમાં ગૌરવભેર ઊભાં રહેવાની તક મળી છે તે પાછળ વાત્સ્લ્યધામની અથાગ મહેનત છે. આજે પણ આદિવાસી વિસ્તારમાં બાળકીનું શોષણ થાય છે. જેનાં માતા-પિતા નથી તેવી બાળકીઓને ફરીજીયાત ઘરકામ કે મજુરી કામ કરીને પેટીયું રળવું પડે છે. સમાજ અને દુનિયાનાં મ્હેણાં સાંભળવા પડે છે. કાચી ઉંમરે પરણાવી દેવામાં આવે છે. આવી તમામ મુશ્કેલીઓમાંથી વાત્સલ્યધામનાં કારણે હું બહાર આવી શકી છું. આજે મને તબીબી ક્ષેત્રે નર્સ તરીકે સેવા બજાવવાનો અનેરો આનંદ આવે છે. આ પાછળ વાત્સલ્યધામમાં અમને શીખવવામાં આવેલાં માનવતાના સંસ્કાર છુપાયેલા છે.

 
ઉર્વશી ગાવિત

વિદ્યાર્થી
વાત્સલ્યધામ